હું માસાહાર કરતો નથી, પરંતુ માંસાહાર કરતા લોકો પર મને કોઈ ધૃણા પણ નથી. વ્યક્તિએ શુ ખાવુ અને શુ ન ખાવુ તે પસંદ કરવાની તેને આઝાદી હોવી જોઈએ. હવે જો મારે માસાહાર નથી કરવો તો મારી પાસે પણ એટલી જ આઝાદી હોવી જોઈએ. જ્યારે ધર્મના નામે ધતિંગ કરી કત્લેઆમ કરવામાં આવે છે, ત્યારે ધર્મના નામે માંસાહાર ન કરવાની આઝાદી પણ છીનવી લેવામાં આવે છે.
પહેલી વસ્તુ આપણે સમજવાની જરૂર છે કે પૃથ્વી એ કોઈના બાપની જાગીર નથી. અને જો જાગીર હોય તો જીવ જંતુ અને પશુઓ મનુષ્ય પહેલા આવ્યા હતા, એ ન્યાયે આપણે મહેમાન થઈએ અને પશુ આપણા યજમાન.
બીજી વસ્તુ કે મનુષ્ય બૌદ્ધિક રીત વિકસિત પ્રાણી છે અને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની એક લાંબી લડાઇ લડતો આવ્યો છે અને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવું તે તેની સર્વ પ્રથમ પ્રાથમિકતા હતી અને છે.
જ્યારે આ પ્રકારની પ્રથા શરુ થઇ હશે ત્યારે તે સમય માટે તે યોગ્ય હશે પરંતુ આજે જ્યારે સમય બદલાયો છે, ટેકનોલોજી બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે આમ છતાં ધર્મના નામે ઈશ્વર, અલ્લાહ, પરમ પિતા એ આપેલી બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર આંધળું અનુકરણ કરવું તે પરમ શક્તિ એ આપેલી બુદ્ધિ નું અપમાન છે.
મેં ગ્રામ્ય જીવન અને એમાંય ખાસ કરીને આદિવાસીઓના જીવનનો બહુ નજીકથી અભ્યાસ કર્યો છે. માતાજીને ખુશ કરવા માટે પશુની બલી આપવામાં આવે છે પરંતુ અહીં તેને એક ધાર્મિક કુરિવાજ તરીકે જ જોવામાં આવે છે, ધર્મના નામે આવી કુપ્રથા ને વખાણવામાં આવતી નથી.
જો ધર્મ તમને બુદ્ધિના દેવાળિયા બનાવતા હોય અને તમારી તર્ક કરવાની ક્ષમતાને ક્ષતિ પહોંચાડતા હોય તો તે ધર્મ અનુકરણને યોગ્ય ન હોઈ શકે. જો ધર્મના નામે વિરોધ ન કર્યો હોત તો આજે પણ સતીપ્રથા જેવું દૂષણ હયાત હોત. હિન્દુ ધર્મમાં પશુઓની બલી આપવાનો રિવાજ હતો પરંતુ તેના સ્થાને પ્રતિકાત્મક રૂપે હાલમાં શ્રીફળ વધેરવામાં આવે છે તે જ રીતે બકરી ઈદના દિવસે પણ પ્રતિકાત્મક રૂપે માટીના બકરાને વધેરવો જોઈએ અથવા બકરા ના ફોટા વાળી કેક કાપવી જોઈએ.