ધનતેરસના શુભ પર્વની તમામ મિત્રોને હાર્દિક શુભેચ્છા. તમામ મિત્રો પર લક્ષ્મીજીની કૃપા સદાય બની રહે તેવી દિલથી અભ્યર્થના. આપ નું આવનારું વર્ષ સુખ-સમૃદ્ધિથી ભરપૂર રહે તેવી શુભકામના. આવી તો અનેક શુભેચ્છાઓ આપણે દિવાળીમાં પાઠવતા હોઈએ છીએ. આજના દિવસે મહાલક્ષ્મીની ઉપાસના ની આડ માં ઓછી મહેનતે વધુ પૈસા કેવી રીતે કમાવી શકાય તેવી લફંગો ને છાજે તેવી પ્રવૃત્તિ અને ધાર્મિક ઢોંગ આપણે કરતા હોઈએ છીએ.
વિનોબા ભાવેએ રોજિંદા જીવનમાં પૈસાનો વ્યવહાર જ ન રહે એવી નવી વ્યવસ્થા માટે કાંચનમુક્તિનો પ્રયોગ આદર્યો હતો. વિનોબાની ‘લફંગા પૈસાનું અનર્થકારણ’ નામની પુસ્તિકા યજ્ઞ પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે જેમાં પૈસા અને લક્ષ્મી કે શ્રી વચ્ચે કેટલો મોટો ભેદ છે, એ સમજાવવામાં આવ્યું છે.
વિનોબા ભાવે જીના મતે ‘લક્ષ્મી અને પૈસો હરગિજ એક નથી. પૈસા તો કૃત્રિમ વસ્તુ છે. તેની કિંમત કાયમ ઓછીવત્તી થયા કરે છે, કારણ કે તેની પોતાની કિંમત જ નથી હોતી. એટલે મેં તો તેને લફંગો પૈસો જ કહ્યો છે અને પાછો આપણે તેને આખા સમાજનો કારભારી બનાવી દીધો છે! તેને લીધે સમાજની બહુ જ ભયાનક અવસ્થા થઈ ગઈ છે. લક્ષ્મી એટલે તો શ્રી, શોભા, ઉત્પાદન, સૃષ્ટિનું ઐશ્વર્ય, સૃષ્ટિની વિષ્ણુશક્તિ, સૃષ્ટિનું નિર્માણ. જ્યારે પૈસા તો કૃત્રિમ વસ્તુ છે. નાસિકના સરકારી પ્રેસમાં નોટો છપાય છે. એક ઠપ કર્યો કે એક રૂપિયાની નોટ અને એક ઠપ કર્યો કે એકસો રૂપિયાની નોટ! એક રૂપિયાની ને એકસો રૂપિયાની નોટ પાછળ એટલો ને એટલો એક સરખો પરિશ્રમ! આવી છે રૂપિયાની ઘટોત્કચની માયા! પૈસાનું કોઈ સ્થિર મૂલ્ય નહીં. જ્યારે લક્ષ્મીનું તો સ્થિર મૂલ્ય છે. અનાજ લક્ષ્મી છે. પહેલાં જેટલા અનાજથી પેટ ભરાતું, આજે પણ તેટલા જ અનાજથી પેટ ભરાય છે. એક શેર અનાજ ઉત્પન્ન કરવા જેટલો પરિશ્રમ કરવો પડે છે, તેના કરતાં બે શેર અનાજના ઉત્પાદન માટે બમણો પરિશ્રમ કરવો પડે છે.
લક્ષ્મી તો દેવી છે અને તે શ્રમથી ઉત્પન્ન થાય છે. જે શ્રમનો ઉપાસક હશે, ઉદ્યોગ કરનારો હશે, તેને જ લક્ષ્મી વરશે. લક્ષ્મી તો આપણા હાથની આંગળીઓમાં વસે છે! ‘કરાગ્રે વસતે લક્ષ્મી’. ભગવાને આપણને જે હાથ આપ્યા છે, તેનાથી પરિશ્રમ કરવાથી લક્ષ્મી મળશે, પરંતુ આપણે આજે શ્રમને બદલે પૈસાને મહત્ત્વ આપી દેવાયું છે. મારુ બસ ચાલે તો હું બધા જ પૈસા સમુદ્રમાં ફેંકી દઉં. સુર અને અસુર વચ્ચે જેટલો ફરક હોય તેટલો લક્ષ્મી અને પૈસા વચ્ચે ફરક છે. લક્ષ્મી દેવતા છે, પૈસો દાનવ. પૈસાને લક્ષ્મી માની લેવાથી મોટો ભ્રમ બીજો કયો હોય?’
આજ પુસ્તકમાં માં જશોદા અને કૃષ્ણ વચ્ચેના સંવાદ ની ચર્ચા કરવામાં આવી છે. માં જશોદા કહે છે કે માખણ મથુરામાં વહેંચીશું તો પૈસા મળશે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે માન્યું કે મથુરામાં પૈસા છે પરંતુ મથુરામાં કંસ પણ છે. માટે માત્ર ને માત્ર પૈસાનો જ વિચાર કરીશું તો કંસનું રાજ્ય સ્વીકાર કરવું પડશે.
દુનિયાના મોટા ભાગના ધર્મોએ પૈસાનો વિરોધ કર્યો છે. ઈસુ ખ્રિસ્ત તો ત્યાં સુધી કહે છે કે સોયના કાણામાંથી ઊંટ પસાર થઇ શકે છે પરંતુ પૈસાનો મોહ રાખવાથી ક્યારેય ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે નહીં.
અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે મારું સ્પષ્ટ પણે માનવું છે કે દુનિયામાં જેટલા પણ કષ્ટો છે, જેટલી પણ સમસ્યા છે, જેટલા પણ દુઃખ છે તેનું મૂળ પૈસા માં રહેલું છે. પરંતુ આ સાથે એ પણ સ્વીકારવું રહ્યું કે પૈસાના મોહમાંથી છુટવું એ કોઈ સરળ કામ નથી.
માનવ કેન્દ્રિત વ્યવસ્થાનો પૈસા એક ભાગ હતો અને માનવ દ્વારા તેની શોધ કરવામાં આવી હતી પરંતુ હવે પૈસા કેન્દ્રિત વ્યવસ્થામાં મનુષ્ય એક ભાગ થઈ ગયો છે જે બહુ મોટી કમનસીબી છે. પૈસો રાજનીતિને ભ્રષ્ટ કરે છે, સામાજિક જીવનને અસ્તવ્યસ્ત કરે છે, શિક્ષણને દૂષિત અને ધાર્મિક પાખંડો કરાવે છે.
સોનાની લંકાનો મોહ રાવણને હોઈ શકે પરંતુ રામને નહીં આ સાદી સમજ મા લક્ષ્મી આજના દિવસે આપણા સૌમાં વિકસાવે તેવી દિલથી અભ્યર્થના. ~ ધ્રુદીપ ઠક્કર
No comments:
Post a Comment