Tuesday, January 12, 2021
બળ મૃત્યુ
મહીસાગર જિલ્લાનું વીરપુર તાલુકાનું બાર ગામ, વડવાઓ પાસે જમીન અોછી અને તેમાંય પેઢી દર પેઢી ભાગ પડતા અંતે જમીન વિહોણા બનેલા મહેરા જ્ઞાતિના ૬૦ જેટલા પરિવારો એક ફળિયામાં રહે, ભાઈઓ નાના મોટા નોકરી ધંધા કરે અને બહેનો આસપાસના જંગલોમાંથી લાકડા લાવી પરિવારનું ગુજરાન ચલાવે; તોય સમયાંતરે પૈસાની અછત સર્જાય. આ આર્થિક સમસ્યાના સમાધાન માટે બેહનોને અગરબત્તી બનાવટની તાલીમ આપવાનું અમે નક્કી કર્યું. ઉત્સાહી બહેનો સાથે કામ કરવાનો મને વિશેષ આનંદ હતો. મોટા ભાગની બહેનોને પહેલા દિવસથી જ અગરબત્તી બનાવવામાં ફાવટ આવી ગઈ, પરંતુ ૪૨ વર્ષીય ઝીણી બેનને અગરબત્તી બનાવવામાં જરાય રસ નહી. બીજી બહેનોની ૧૦ અગરબત્તી બને ત્યારે ઝીણી બેનની ૧ બને, અને તેય જેવી તેવી. એકાદ કલાક રસપ્રદ રીતે કામ કરવાનો વ્યર્થ પ્રયત્ન કર્યા બાદ ઝીણી બેન કંટાળ્યા, અને તેમનો એ કંટાળો એક સુંદર મઝાના ગીત સ્વરૂપે પ્રસ્તુત થયો. " અમે બાર ગામની બહેનો અગરબત્તી બનાવતી રે લોલ...." બીજી બધી બહેનો સંભાળે પણ સુર ના પુરાવે, ને તોય ઝીણી બેન એટલાજ ઉત્સાહથી ગાય. લોકગીતો વિશે ઘણું સાંભળ્યું હતું પરંતુ આજે મારી નઝર સમક્ષ એક લોક ગીતનું સર્જન થઈ રહ્યું હતું, આ જોઈ મારો પ્રોફેસરનો આત્મા જાગી ઉઠ્યો એને એ ગીતનું ડોક્યુમેન્ટ કરવાનું નક્કી કર્યું. હું એકમાત્ર પ્રેક્ષક બની ઝીણી બેનને સાંભળતો હતો તેની જાણ થતાં જ ઝીણી બને ગાવાનું બંધ કર્યું. મારી વિનંતીને માન આપીને તેમને ફરીથી ગાવાનો પ્રયત્ન કર્યો પણ શબ્દો ગોઠવાયા જ નહીં, અને એ અલ્પ ક્ષણોનો વૈભવ અસ્ત પામ્યો. "સાહેબ આવું તો એ રોજ કરે છે" પાસે બેઠેલી એક બહેને મને ટકોર કરતા કહ્યું. એવું નહોતું કે ગામના લોકોને ઝીણી બેનની કાળા ની કોઈ કદર ન્હોતી. આ કળાને લઈને ઝીણી બેનનું ગામમાં વિશેષ માન હતું.પરંતુ તેમની માટે આ એક સહજ પ્રક્રિયાનો ભાગ હતો. બીજી બધી બહેનો અગરબત્તી બનાવવાની કળા થકી આર્થિક લાભ મેળવશે; જ્યારે ઝીણી બેનની ત્વરિત ગીત બનાવવાની કળા જે અમૂલ્ય છે, પણ તેનું કોઈ આર્થિક મૂલ્ય નથી તેનો વસવસો કેટલીક બહેનોએ અભિવ્યક્ત કર્યો, અને ઝીણી બેન ફરીથી અગરબત્તી બનાવવાના નીરસ કામમાં રસ તરબોળ થવાના પ્રયત્નમાં મશગુલ બન્યા. પ્રત્યેક વસ્તુનું બજાર શોધતા અને દરેક વસ્તુ અને સેવાનું આર્થિક મૂલ્ય નક્કી કરતા સમાજમાં ઝીણી બેનની કાળાં નું બળમૃત્યું (બાળ પૂર્વક મૃત્યુ) થતું હું મુક પ્રેક્ષક બનીને જોતો રહ્યો. - ધ્રુદીપ ઠક્કર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment