Saturday, May 15, 2021

જ્યાં કોઈ ભૂખ્યું ના હોય, કોઈ ગરીબ ના હોય, દરેકને રોજગાર મળે અને સફળતા માટેની સમાન તક મળે તેવી દુનિયાનું સર્જન શક્ય છે.

જ્યાં કોઈ ભૂખ્યું ના હોય, કોઈ ગરીબ ના હોય,  દરેકને રોજગાર મળે અને સફળતા માટેની સમાન તક મળે તેવી દુનિયાનું સર્જન શક્ય છે. 

------------------------

 આ કોઈ કાલ્પનિક ફિલ્મનો ડાયલોગ નથી પરંતુ અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં છેલ્લા 15 વર્ષના મારા સંશોધનનું તારણ છે. મનુષ્ય દ્વારા બનાવેલ પૈસાની વ્યવસ્થાએ આજે સમગ્ર માનવજાતિને ગુલામ બનાવી છે એ આ પૃથ્વી પરની સૌથી કરુણ ઘટના છે. પૈસા માણસ માટે છે પરંતુ આજે માણસ પૈસા માટે જીવી રહ્યો છે. આજે દરેક નાગરિક પોતાની ખરીદશક્તિ પ્રમાણેની જ આઝાદી ભોગવી રહ્યો છે અને છતાં પણ આ વ્યવસ્થાને લઈને કોઈ સવાલ નથી તે ઘણી આશ્ચર્યની બાબત છે. મારું હંમેશાથી એક સપનું રહ્યું છે કે આખી દુનિયા એક હોય. જ્યાં આનંદ હોય, પ્રેમ હોય, જીવનની ઉજાણી હોય, ના કોઈ બોર્ડર હોય, ના કોઈ યુદ્ધ હોય, ના કોઈ ગરીબ હોય કે ના કોઈ ભૂખ્યું hi હોય. દુનિયા એટલી સુંદર હોય કે કોઈની વસ્તુ, કોઈનો હક્ક, કોઇનો અધિકાર છીનવી લેવાનું કોઈ કારણ જ ના હોય. આવી દુનિયાનું સર્જન કરવું શક્ય છે; પરંતુ હાલની અર્થવ્યવસ્થાએ આપણને એક આભાસી સુખના પાંજરામાં કેદ કરી દીધા છે. પ્રત્યેક વ્યક્તિ આ પાંજરાને ખોલીને સંભાવના આકાશમાં સર્જનાત્મકતાની નાવ લઈ ઈચ્છે તેટલા છબછબીયા કરી શકે તે માટે અર્થશાસ્ત્રના નવા આયામ "ટ્યુરોઇકોલોજી" ની રચના કરી છે. સામાન્ય માણસો પણ અર્થશાસ્ત્રના આ નિયમને સમજી શકે તે માટે "થિયરી ઓફ ગેસ્ટશીપ" ની રચના કરી છે અને કોઈ પણ વ્યક્તિ આ નવા આયામ નો અનુભવ કરી શકે તે માટે "યોર ટાઇમ બેન્કિંગ" ની શરૂઆત કરી છે. 

પૃથ્વીનો ઇતિહાસ અકલ્પનીય રહ્યો છે.  જો આપણે એક દિવસમાં પૃથ્વીના વિકાસનો સારાંશ આપીએ;  તો માનવ (હોમો હેબિલિસ) ફક્ત 55.76 સેકંડ પહેલા પૃથ્વી પર આવ્યો છે.  પૈસાની શોધનો પ્રારંભ 0.0576 સેકંડ પહેલા જ થયો છે.  આધુનિક બેન્કિંગ સિસ્ટમ 0.6 માઇક્રો સેકંડ પહેલા શરૂ થઈ (1694 માં બેંક ઓફ ઇંગ્લેંડની સ્થાપના થઈ).  જ્યારે આપણે પૃથ્વીની ઉત્ક્રાંતિના સંદર્ભમાં સંપૂર્ણ માનવ ઉત્ક્રાંતિ જોઈએ ત્યારે આપણે સમજી શકીએ છીએ કે પ્રકૃતિ પૃથ્વીની માલિકી ધરાવે છે અને આપણે મનુષ્ય અતિથિ તરીકે અહીં આવ્યા છીએ. આપણી યજમાન માતા પ્રકૃતિ કોઈ પણ ભેદભાવ વિના દરેક અતિથિની સાથે સમાન રીતે વર્તે છે.  અતિથિ તરીકે એક બાબત આપણા મનમાં સ્પષ્ટ હોવી જોઈએ કે આપણે જે પણ સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ અને જે પણ પ્રકારની સુવિધાનો આનંદ લઈ રહ્યા છીએ તે ચોક્કસ સમયગાળા માટે યજમાન દ્વારા પ્રદાન કરવામાં આવી છે; આપણી પાસે કશું જ નથી અને યજમાનની કોઈ સંપત્તિનો નાશ કરવાનો આપણને અધિકાર પણ નથી.  અતિથિ તરીકેની આપણી નૈતિક જવાબદારી છે કે આપણે જે સ્થાન અને સંસાધનો વાપરીએ તેની ખૂબ કાળજી લઈએ અને બીજા મહેમાન વિશે પણ વિચારીએ.  “થિયરી ઓફ ગેસ્ટશીપ"  શોષણ કરવાને બદલે સહકારના માર્ગ તરફ દોરી જાય છે.  હાલની આર્થિક પ્રણાલીમાં શોષણ કરવાનું સગવડિયું સાધન એટલે પૈસા. આપણા ઋષિ-મુનિઓએ પણ હંમેશા કહ્યું છે કે આર્થિક વ્યવસ્થા શ્રમ આધારિત હોવી જોઈએ નહીં કે ધન આધારિત. લિયો ટોલ્સટોય, જ્હોન રસ્કિન, મહાત્મા ગાંધી તમામ ઈચ્છતા હતા કે સમાજમાં શ્રમનું મૂલ્ય વધે. આ વિચારોને ધ્યાનમાં લઈને જ "યોર ટાઈમ બેન્કની" શરૂઆત કરવામાં આવી હતી.

શું છે આ યોર ટાઇમ બેંક ? 

કોઈ પણ વસ્તુની જેટલી વધારે અછત હોય તે વસ્તુનું તેટલું વધારે મૂલ્ય હોય આ અર્થશાસ્ત્રનો સર્વ સામાન્ય નિયમ છે. મારું માનવું છે કે જો આપણે સમયને ચલણના એકમ તરીકે ધ્યાનમાં લઈશું તો આપણે વિશ્વની મોટાભાગની સમસ્યાનું નિરાકરણ લાવી શકીશું.  સમય એ કુદરતી રીતે, સાર્વત્રિક રૂપે અછત ધરાવે છે, માટે તેનું મૂલ્ય નક્કી કરવામાં સરળતા રહે છે અને જો આપણે કાગળના ચલણ, બેંકના નાણાને બદલે સમયનો નાણા તરીકે ઉપયોગ કરીએ તો આપણે આ દુનિયાને વધુ સુંદર બનાવી શકીએ. જેનો સૌ પ્રથમ પ્રયોગ લુણાવાડા ખાતે કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભુવનેશ્વર ખાતે લર્નિંગ સોસાયટી અનકોન્ફરન્સમાં, પી પી સવાણી યુનિવર્સિટીમાં, જયપુર ખાતે અહિંસાગ્રમમાં તેમજ મહિસાગર જિલ્લાના કેટલાક ગામોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. 

આ મોડલની ખાસિયત એ છે જે તે વ્યક્તિ પોતે પોતાના શ્રમનું મૂલ્ય નક્કી કરી શકે છે, જીવનની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકે એટલું મિનિમમ બેલેન્સ દરેક પાસે હંમેશા હોય છે તેમજ કોઈપણ વ્યક્તિએ સફળ થવા માટે પોતાની વસ્તુ કે સેવાનું બજાર સરળતાથી મળી રહે છે. 

યોર ટાઈમ બેંકના રસપ્રદ કિસ્સાઓ.

૧) એસી ફ્રિજ રીપેરીંગ શીખવા આવેલા વિદ્યાર્થીઓમાં સૌપ્રથમ પ્રયોગ કરવામાં આવ્યા ત્યારે એક વિદ્યાર્થી youtube માંથી જોઇને મોડલિંગ ફોટોગ્રાફી કરતા શીખ્યો હતો પરંતુ તેને કોઇ મોડલ મળતા ન હતા. યોર ટાઈમ બેંક થકી તેને મોડલ પણ મળી ગયા અને તેમાંથી કમાયેલા YT (your time) થી તેને કેટલીક આર્યુવેદીક દવાઓ પણ ખરીદી હતી. 

૨) ભુવનેશ્વરમાં જ્યારે આ પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે રાજા નામના નૈસર્ગિક ખેતી કરતા ખેડૂત રોજ બધા માટે ચા બનાવતા અને 10 રૂપિયામાં વેચતા. પરંતુ જ્યારથી તેમને "યોર ટાઇમ બેંક" વિશે ખબર પડી ત્યારબાદ તે માત્ર કોઈ YT આપે તો જ ચા વેચતા અને પૈસા સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દેતા. કારણ કે YT નો ઉપયોગ કરીને તેઓ વધુ વસ્તુઓ અને સેવાઓ ખરીદી શકતા જે પૈસાથી ખરીદી શકાતી નહોતી. 

૩) જયપુરમાં જ્યારે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો ત્યારે રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ YT માં નાણાં ચૂકવ્યા હતા તેમજ એરપોર્ટ સુધી જોવા માટે પીકઅપ ડ્રોપ સર્વિસ નું મૂલ્ય પણ YT માં જ ચૂકવ્યું હતું. 

હાલમાં કોઈ પણ વ્યક્તિ પોતાની સોસાયટીમાં, પોતાની સંસ્થામાં, શાળા-કોલેજોમાં, ગામમાં તેમજ કોર્પોરેટ કંપનીમાં "યોર ટાઈમ બેંકની" સ્થાપના કરી શકે તે માટે કીટ પણ બનાવવામાં આવી રહી છે. 

હાલના સમયમાં કોવિડ-૧૯  ને કારણે પ્રત્યેક વ્યક્તિને જે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે તેનું સમાધાન your time બેંક દ્વારા શક્ય છે. આ આખું મોડલ એ રીતે બનાવવામાં આવ્યું છે કે જેમાં દરેક વ્યક્તિને સફળ થવા માટે સમાન તક અને બજાર મળી રહે છે, કોઈપણ વ્યક્તિ ગરીબ રહે કે કોઈપણ વ્યક્તિ ભૂખ્યું રહે તે શક્ય જ નથી આ ઉપરાંત દરેકને રોજગાર પણ મળી રહે છે માટે બેરોજગારીની સમસ્યાનો પણ કાયમી ઉકેલ શક્ય છે. 

_______________

દરેક વ્યક્તિ જો પોતાના જ સુખનો વિચાર કરશે તો ક્યારેય સુખી નહીં થઈ શકે પરંતુ જ્યારે પ્રત્યેક વ્યક્તિ બીજાના સુખનો વિચાર કરશે ત્યારે તમામને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. 

દુનિયા આપણને કઈ નજરે નિહાળે છે તે નહી પણ આપણે દુનિયાને કોઈ નજરે નિહાળીએ છીએ તે મહત્વનું છે. 

~ Dhrudip Yogeshbhai Thakkar (9574117077)

No comments:

Post a Comment