Thursday, July 1, 2021

થેન્ક્યુ ડોક્ટર


ભારતમાં ડોક્ટર ની અછત છે તે આપણે સૌ જાણીએ છીએ. મહામારી ના કપરા કાળમાં એક વર્ષ ડોક્ટર કશું જ કર્યા વગર ઘરે બેસી રહે તો તેમને આર્થિક રીતે કોઈ બહુ મોટું નુકસાન થાય એવું નથી. કોરોના નો કાળ પત્યા પછી ફરી નોકરી મેળવવામાં પણ કોઈ તકલીફ પાડવાની નથી. આમ છતા તેઓ ફરજ સમજીને આજે દિન રાત આપણી સેવામાં લાગેલા છે. આ સત્તાવાર આંકડા બહાર નથી પડ્યા પરંતુ ડેક્કન ક્રોનિકલ જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 31 ડોક્ટરોએ કરોના ને કારણે પોતાની જાન ગુમાવી છે. 

ફિલ્મો પાછળ 500 રૂપિયા દર અઠવાડિયે ખર્ચવામાં આપણને વાંધો નથી.દર મહિને બ્યુટી પાર્લર કે હેર સલૂનમાં 200-500 રૂપિયા ખુશી ખુશી ખર્ચી નાખવામાં આવે છે.રેસ્ટોરાંતનું 1000 - 2000 નું બિલ ચુકવાતા મન ક્યારેય કાચવાતું નથી. પરંતુ તમારા સ્વાસ્થય માટે ઝઝૂમતા ડોક્ટર મિત્રોને ક્યારેક જ  આપવા પડતા 500 - 1000 રૂપિયા આપણને લૂંટ લાગે છે. 

શિક્ષણનું વ્યવસાયીકરણ કરવામાં આવ્યું ત્યારબાદ દરેક ક્ષેત્રમાં દૂષણ ઘૂસ્યા છે, સ્વાસ્થ્ય ક્ષેત્ર પણ તેમાંથી બાકાત નથી જ. પણ તેના કારણે દરેકને એક જ લાકડીએ હકવાની માનસિકતા આપણને જ ભવિષ્યમાં નુકશાન કરશે. ડોક્ટર કઈ ખોટું કરશે તો આપણે છાપરે ચઢીને બુમો પાડીશું, બધાને જણાવીશું અને આજ ડોક્ટર જો કોઈ સારું કરે તમારા સ્વાસ્થ્ય માટે ઝઝૂમે તો આપણે કહીશું કે એ તો પૈસા લીધા છે એની ફરજમાં આવે છે. બીજાના દુઃખ માંથી પૈસા કમાવવા સહેલી વાત નથી જ. જે પ્રકારની અને જે રીતની મહેનત બાદ એ ડોક્ટર બને છે એની પણ આપણે કદર કરવામાં, સમ્માન કરવામાં ઉણા ઉતર્યા છે. 

ડોક્ટર પણ માણસ છે, એનો પણ ઘર-પરિવાર છે,  મિત્રો છે, એનું પોતાનું અલાયદું જીવન છે. અને જ્યારે માણસ માત્ર ભૂલને પાત્ર વાત કરવામાં આવે છે તો એ માણસો માનો એક ડોક્ટર પણ છે એ આપણે ભૂલી જઈએ છીએ. 

ટેક્સના અઢળક રૂપિયા ભર્યા હોવા છતાં પણ સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાઓ આપણને મળતી નથી ત્યાં અવાજ ઊંચો કરવાની હિંમત થતી નથી અને ડોક્ટરો સામે હથિયાર ઉગામવામાં આવે છે આ અત્યંત ધ્રુણાસ્પદ કૃત્ય છે.

સ્વાઇન ફ્લૂ નો વાવર જ્યારે ફેલાયો હતો ત્યારે અને હાલમાં કરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે પોતાની જાનની બાજી લગાવીને પણ દર્દીની સારવાર કરતા ડોક્ટર મિત્રોને મેં જોયા છે. આવા દર્દીને તેના સગા વ્હાલા સુદ્ધા મળવા આવતા ન હતા, તેવા સમયે ડોક્ટરોએ સરકાર દ્વારા યોગ્ય સુવિધા અને N-95 માસ્ક, PPE કીટ આપવામાં આવી ન હતી છતાં પોતાના જાનની પરવા કર્યા વગર ડોક્ટર તરીકેની ફરજ સમજીને દર્દીઓની સારવાર કરી છે. 

માનસિકતા બદલવાની જરૂર છે. આજના ડોક્ટર દિને આપના સ્વાસ્થ્ય માટે દિન રાત સેવા પ્રવૃત રહેલા તમામ ડોક્ટર મિત્રોને દિલથી સલામ.
#HappyDoctorsDay.