Wednesday, May 26, 2021

હાલની સરકારને ગાળો આપતા પહેલા થોડું વિચારીએ ~ ધ્રુદિપ ઠકકર


વર્ષો પહેલા મેહુલભાઈ વ્યાસના નાટકમાં અમે કામ કરતા હતા નાટકનું નામ હતું "સમજો તો ઘણું બાકી જય શ્રી રામ." આ નાટકમાં એક બહુ જ સરસ સંવાદ હતો. સત્તા પર આવતાની સાથે દસ માથા આપોઆપ નિકળી આવે છે. વિપક્ષના મોદી આપણને ગમે છે પરંતુ સત્તા પર આવતા તે મોદી સામે આપણી આટલી ફરિયાદ કેમ છે તે સમજવા માટે એક નાનકડો કિસ્સો તમારી સામે રાખું છું.
style="margin-left: 1em; margin-right: 1em;">

આપના અડ્ડા નામના ગ્રુપથી આપ વાકેફ હશો. રેશનલ બનો વિકસતા રહો ટેગલાઇન સબકા સાથ સબકા વિકાસ જેવી કેટલી સુંદર લાગે છે. ધીરે-ધીરે ગ્રુપ નો વિકાસ થયો આજે આં ગ્રુપના 58 હજાર જેટલા સભ્યો છે. મારી અનેક પોસ્ટને કારણ વગર રીમુવ કરવામાં આવતી હતી આજે રજૂઆત કરી સાંભળવાની સમજવાની જગ્યાએ માત્ર દલીલો કરવામાં આવી અને ત્યારબાદ સંખ્યાબળના ના નશા માં આવી મ્યુટ કરવામાં આવ્યો. માટે બહુમતી ના નશા માં આવીને સરકાર કોઈ ને જેલમાં પૂરી દે કે રાજદ્રોહનો આરોપ લગાવે તે હવે મને સ્વાભાવિક લાગે છે. 

મને આ ગ્રુપ ના વિચારો ગમ્યા હતા માટે ૧૦૦ થી વધુ મિત્રો ને આ ગ્રુપમાં એડ કર્યા હતા બિલકુલ એ જ રીતે જે રીતે પાર્ટી સમર્થકો કોઈ પાર્ટીને વોટ કરવા માટે આગ્રહ કરતા હોય છે. 

મિત્રો વિચારી જુઓ કે એક ફેસબુક ગ્રુપ માં એ પણ રેશનલ વિચારો ધરાવતા ગ્રુપમાં 58000 ની સભ્ય સંખ્યા માં આવું તુંમાખી ભર્યું વર્તન કરતા હોય તો હાલની સરકાર પાસે તો કરોડોનું સંખ્યાબળ છે, અનેક સત્તાઓ છે, બહુમતી છે માટે " તુ જાનતા હે મેં કોન હું? " જેવો અહંકાર સરકારમાં આવે તે સ્વાભાવિક છે. એક પુરૂષ તરીકે તમે કોઈ સ્ત્રી કે બાળકો પર સત્તા ધરાવતા હોય તો તમારું વર્તન કેવું હોય છે ?, એક સ્ત્રી તરીકે તમે ઘરે કામ કરવા આવતી બહેન પર સત્તા ધરાવો છો તો તમારું વર્તન કેવું છે ? ઓફિસમાં બોસ છો અને નીચેના કર્મચારી અને પટાવાળાની તરફે તમારું વર્તન કેવું છે ?  તમારા કોઈ સંબંધી મોટા અધિકારી હોય કે રાજકારણમાં હોય તો તમારા વર્તનમાં કેવો બદલાવ આવે છે એ જાત તપાસ કરી જુઓ. મિત્રો એક નાનકડી સત્તા જે કદાચ અભ્યાસને લીધે, પદને લીધે કે સંખ્યાબળને લીધે મળે છે તો પણ તમારા અહંકારને તમે રોકી શકતા નથી (આમાંથી હું પણ બાકાત નથી જ ફિલ્મના શૂટિંગ દરમિયાન દૂધ અને ફ્રુટ સમયસર ન મળે તો અભિનેતા તરીકે મારો અહંકાર ઘવાતો હતો)તો સરકારને તો આપણે અઢળક સત્તાઓ આપી છે તો તેમનો અહંકાર પણ એટલો જ વધારે રહેવાનો તે હવે સમજવું રહ્યું. 

આ અહંકારનો સ્વીકાર કરવો તે બહુ જ અઘરી વસ્તુ છે. કદાચ આ લેખ વાંચ્યા પછી મને ગ્રુપમાંથી કાઢી નાખવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે સત્તાને સવાલ કરતા સોક્રેટિસ ક્યારેક કોઇને ગમતા નથી. 

માટે જો પરિસ્થિતિ બદલવી હોય તો સૌ પ્રથમ તો આવકની અસમાનતા દૂર કરવી પડશે. અને રાજનીતિ બદલાવી હોય તો એવી વ્યવસ્થા નિર્માણ કરવી પડશે કે જ્યા રાજનેતાઓ પાસે સત્તા ઓછી અને જવાબદારીઓ વધારે હોય.  

આપને પણ આવો કોઈ અનુભવ થયો હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો.

Wednesday, May 19, 2021

ચકા ચકી નો ઘર સંસાર

Happy Anniversary to the parents that inspire me every day. ...

(ખાસ નોંધ : આ લેખ ૨૦૧૯ માં લખેલ છે માટે એ રીતે જ વચવો અને સમજવો.)

ચકા ચકી નો ઘર સંસાર
.....................................

"મુસ્કુરાતા ચહેરાનો આંસુ પણ એક ભાગ છે,
ખુશી છે અનમોલ તો દુખ માં પણ કઈ ખાસ છે,
જરૂરી નથી કે જીવનનો દરેક પડાવ સરળ જ હોય,
ડગલેને પગલે સંઘર્ષ પણ એક અનોખો અહેસાસ છે.
ખુશી છે અનમોલ તો દુઃખ માં પણ કઈ ખાસ છે."

૨૦-૦૫-૨૦૧૨  નવસારી ની એસ એસ અગ્રવાલ કોલેજમાં હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની ફરજ બજાવી રહ્યો હતો. અર્થશાસ્ત્રની સાથે-સાથે પર્યાવરણ ને લગતા વિષયો તેમજ નાટ્યશાસ્ત્ર ના શિક્ષક તરીકે ની જવાબદારી પણ મારા શિરે જ હતી. બપોરે ત્રણ વાગ્યે અધ્યાપન કાર્ય પૂર્ણ થઈ જાય, માટે પોતાની જાત સાથે સમય ગાળવાનો તેમજ લેખન કાર્ય કરવા માટેનો સારો એવો સમય મળી રહેતો. ઉપર જણાવેલી તારીખ મારી માટે બહુ જ ખાસ હતી કારણ કે આ તારીખે મારા માતા-પિતાએ તેમના લગ્ન જીવનમાં સહજીવનના 25 વર્ષ પૂર્ણ કર્યા હતા. આ મહોત્સવને વિશેષ રીતે ઉજવવાની મારી મહેચ્છા હતી પરંતુ સમય અને સંજોગોને કારણે એ શક્ય બન્યું નહિ. લગ્ન પૂર્વેના તેમજ લગ્ન બાદના ઘણા કિસ્સાઓ મમ્મી પપ્પા ના મોઢે સાંભળેલા જે ઘણા જ રસપ્રદ અને પ્રેરણાદાયક હતા અને બાકીના ઘણા કિસ્સાઓનો તો હું પોતે જ સાક્ષી હતો. આમ આવા રસપ્રદ કિસ્સાઓ ને લઈને એક નાટક લખવાનું નક્કી કર્યું અને એ નાટક નું શીર્ષક હતું ચકો ચકી નો ઘર સંસાર. મારા મોટા ભાગના નાટકો અને લેખની શરૂઆત હું કોઈ કાવ્યપંક્તિ કે ગીતથી જ કરતો અને તે પરંપરાને જાળવી રાખવા ઉપર લખેલી પંક્તિઓ લખી હતી જે નાટક ની શરૂઆત હતી. લગ્નજીવનના, સહજીવનના 30 વર્ષ પૂર્ણ થાય ત્યારે આ નાટક નો પ્રથમ પ્રયોગ કરવામાં આવશે તેવી નૂતન મહેચ્છા સાથે 25 વર્ષનો મહોત્સવ પૂર્ણ થયો હતો. ત્યારબાદના પાંચ વર્ષમાં મારા જીવનમાં અનેક નાટકો ખેલાયા જેમાં પી.એચ.ડી.ની પળોજણ, અર્થશાસ્ત્રનો નૂતન અભિગમ, ફિલ્મ જગતમાં પાપા પગલી, ભારત ભ્રમણ મુખ્ય રહ્યા. હિપનોસિસ ની ટ્રેનીંગ થી લઈને સામાજિક અને પર્યાવરણીય મુદ્દાઓ ની લડત સુધીના ઘણા કાર્યો આ પાંચ વર્ષમાં પૂર્ણ કર્યા પણ આ બધામાં પેલું નાટક અધૂરું જ રહી ગયું. 2016માં ટ્રેનર તરીકે બેંક ઓફ બરોડામાં જોડાયો ત્યારબાદ હું અને પપ્પા ગોધરામાં સાથે જ રહીએ. હવે મારું નાટ્યક્ષેત્રમાંથી ફિલ્મક્ષેત્રે પદાર્પણ થઈ ચૂક્યું હતું અને નાટક કરતા એક નાનકડી ફિલ્મ બનાવવી વધુ અસરકારક અને આર્થિક રીતે પણ પરવડે તેમ હતું. માટે પપ્પાને કીધું "પપ્પા લગ્નના 30 વર્ષ પુરા થાય છે,  તમારા આ સહજીવનની પૂર્ણાહુતિના મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરીએ." પણ નોકરી કરતા માણસની એક વિડંબના હોય છે, તેમના સપનાની મેન્યુફેક્ચરિંગ ડેટ તેમની નોકરીની એક્સપાયરી ડેટ એટલે કે રિટાયરમેન્ટની સાથે શરૂ થતી હોય છે. પપ્પાના પણ રિટાયરમેન્ટ પછી ના ઘણા પ્લાન હતા, માટે આ ધામધુમથી ઉજવણી કરવાનું પણ રિટાયરમેન્ટ પછી જ નક્કી થયું. પરંતું નોકરીના રિટાયરમેન્ટ પહેલાજ કુદરતનું ઓચિંતું રિટાયરમેન્ટ આવ્યું અને અનેક સપનાઓની જેમ મારું આ ફિલ્મનું સપનું પણ અધૂરું રહી ગયું. 2019 પપ્પાનું રિટાયરમેન્ટનું વર્ષ છે. આજે જો પપ્પા સ્વદેહે હજાર હોત તો શક્ય છે કે વડોદરાની કોઈ હોટલમાં અત્યારે સરસ-મજાની ગ્રાન્ડ પાર્ટી ચાલતી હોત અથવા તો પરિવાર સાથે છેલ્લી એલટીસી ની રજાઓ સિક્કિમ કે કાશ્મીરમાં મનાવતા હોત. પપ્પાએ મારા અને અમારા પરિવારના તમામ સપનાઓ પરિપૂર્ણ કર્યા પરંતુ પપ્પા માટે સેવેલા અમારા ઘણા ખરા સપનાઓ અધૂરા જ રહી ગયા. એ સપનાઓ પરિપૂર્ણ કરવા તો હવે શક્ય નથી , પરંતુ પેલું નાટક પુરુ કરવું તો મારા હાથમાં જ છે ને ! એમ વિચારી આજે નાટક લખવાનો નિષ્ફળ પ્રયત્ન કરી જોયો. અતીતના આકાશમાં ડોક્યું કરવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ મિલન કરતા વિરહ નો ભાવ મારા માનસ પર વધુ હાવી રહ્યો.આમ નાટક ની શરૂઆત તો ન કરી શક્યો પરંતુ ભવિષ્યમાં ક્યારેક જો આ નાટક લખાશે તો તેના કોઈક અંકનો અંત કંઈક આવો હશે. 


સ્થળ : ઘરની બાલ્કની અને તેની સામે લહેરાતાં લીલાછમ ખેતરો.

પાત્ર : પિતા અને પુત્ર.

અતીતના પ્રતિબિંબને વર્તમાનમાં નાટક સ્વરૂપે કાગળ પર આલેખવાનો પુત્ર વારંવાર પ્રયત્ન કરે છે. પરંતુ તેને જોઇએ તેવી સફળતા હાંસલ થતી નથી. નિરાશાની ઊંડી ગર્તામાં ધકેલાઈ ગયેલા હતાશ પુત્ર ના ખભે પિતાના અદ્રશ્ય હાથ નો સ્પર્શ થાય છે. અને પિતા પુત્રને માત્ર એટલું જ કહે છે

"जिंदगी नगमा उसे तू गुनगुनाना सीख ले,
पोछकर आंखों से आंसू मुस्कुराना सीख ले,
जिंदगी की भीख आखिर कब तलक मांगेगा तू,
दीप के भाती तू खुद को ही जलाना सीख ले" 

ને પુત્ર માત્ર એટલું જ કહે છે "don't worry papa everyday I give my best shot."  (આ મારા પપ્પાનું પ્રિય વાક્ય હતું.)

બ્લેક આઉટ થાય છે અને પડદો પડે છે. પ્રેક્ષકો હજી પણ ભાવ જગતમાં જ ડૂબેલા છે મનોમંથનની પ્રક્રિયા હજી પૂર્ણ થઈ નથી. પ્રેક્ષકોના આ મનોભાવને તોડવા માટે કોરસમાં નાટકનું ટાઈટલ સોંગ વાગે છે , ચકો ચકી નો ઘર સંસાર.... ચકો ચકી નો ઘર સંસાર... 

પરંતુ યાદ રહે કે આ નાટકનો અંત નહીં પરંતુ ઇન્ટરવલ છે. નાટક તો અભી બાકી હૈ મેરે દોસ્ત.....

પુત્રનું એ નાટક તો પૂરું નથી થતું પરંતુ પિતાના સપનાઓ સાકાર થઈ ચૂક્યા છે. કારણ કે પિતાએ સેવેલા મોટાભાગના સપનાઓ પોતાના માટે નહીં પરંતુ બીજાના માટે હતા સમાજ માટે હતા. અને આ સપનાઓ પરિપૂર્ણ કરવાની મોટાભાગની જવાબદારી  તેમની વ્હાલસોયી દીકરીએ ઉપાડી લીધી હતી...

Saturday, May 15, 2021

જ્યાં કોઈ ભૂખ્યું ના હોય, કોઈ ગરીબ ના હોય, દરેકને રોજગાર મળે અને સફળતા માટેની સમાન તક મળે તેવી દુનિયાનું સર્જન શક્ય છે.

જ્યાં કોઈ ભૂખ્યું ના હોય, કોઈ ગરીબ ના હોય,  દરેકને રોજગાર મળે અને સફળતા માટેની સમાન તક મળે તેવી દુનિયાનું સર્જન શક્ય છે. 

------------------------

 આ કોઈ કાલ્પનિક ફિલ્મનો ડાયલોગ નથી પરંતુ અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં છેલ્લા 15 વર્ષના મારા સંશોધનનું તારણ છે. મનુષ્ય દ્વારા બનાવેલ પૈસાની વ્યવસ્થાએ આજે સમગ્ર માનવજાતિને ગુલામ બનાવી છે એ આ પૃથ્વી પરની સૌથી કરુણ ઘટના છે. પૈસા માણસ માટે છે પરંતુ આજે માણસ પૈસા માટે જીવી રહ્યો છે. આજે દરેક નાગરિક પોતાની ખરીદશક્તિ પ્રમાણેની જ આઝાદી ભોગવી રહ્યો છે અને છતાં પણ આ વ્યવસ્થાને લઈને કોઈ સવાલ નથી તે ઘણી આશ્ચર્યની બાબત છે. મારું હંમેશાથી એક સપનું રહ્યું છે કે આખી દુનિયા એક હોય. જ્યાં આનંદ હોય, પ્રેમ હોય, જીવનની ઉજાણી હોય, ના કોઈ બોર્ડર હોય, ના કોઈ યુદ્ધ હોય, ના કોઈ ગરીબ હોય કે ના કોઈ ભૂખ્યું hi હોય. દુનિયા એટલી સુંદર હોય કે કોઈની વસ્તુ, કોઈનો હક્ક, કોઇનો અધિકાર છીનવી લેવાનું કોઈ કારણ જ ના હોય. આવી દુનિયાનું સર્જન કરવું શક્ય છે; પરંતુ હાલની અર્થવ્યવસ્થાએ આપણને એક આભાસી સુખના પાંજરામાં કેદ કરી દીધા છે. પ્રત્યેક વ્યક્તિ આ પાંજરાને ખોલીને સંભાવના આકાશમાં સર્જનાત્મકતાની નાવ લઈ ઈચ્છે તેટલા છબછબીયા કરી શકે તે માટે અર્થશાસ્ત્રના નવા આયામ "ટ્યુરોઇકોલોજી" ની રચના કરી છે. સામાન્ય માણસો પણ અર્થશાસ્ત્રના આ નિયમને સમજી શકે તે માટે "થિયરી ઓફ ગેસ્ટશીપ" ની રચના કરી છે અને કોઈ પણ વ્યક્તિ આ નવા આયામ નો અનુભવ કરી શકે તે માટે "યોર ટાઇમ બેન્કિંગ" ની શરૂઆત કરી છે. 

પૃથ્વીનો ઇતિહાસ અકલ્પનીય રહ્યો છે.  જો આપણે એક દિવસમાં પૃથ્વીના વિકાસનો સારાંશ આપીએ;  તો માનવ (હોમો હેબિલિસ) ફક્ત 55.76 સેકંડ પહેલા પૃથ્વી પર આવ્યો છે.  પૈસાની શોધનો પ્રારંભ 0.0576 સેકંડ પહેલા જ થયો છે.  આધુનિક બેન્કિંગ સિસ્ટમ 0.6 માઇક્રો સેકંડ પહેલા શરૂ થઈ (1694 માં બેંક ઓફ ઇંગ્લેંડની સ્થાપના થઈ).  જ્યારે આપણે પૃથ્વીની ઉત્ક્રાંતિના સંદર્ભમાં સંપૂર્ણ માનવ ઉત્ક્રાંતિ જોઈએ ત્યારે આપણે સમજી શકીએ છીએ કે પ્રકૃતિ પૃથ્વીની માલિકી ધરાવે છે અને આપણે મનુષ્ય અતિથિ તરીકે અહીં આવ્યા છીએ. આપણી યજમાન માતા પ્રકૃતિ કોઈ પણ ભેદભાવ વિના દરેક અતિથિની સાથે સમાન રીતે વર્તે છે.  અતિથિ તરીકે એક બાબત આપણા મનમાં સ્પષ્ટ હોવી જોઈએ કે આપણે જે પણ સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ અને જે પણ પ્રકારની સુવિધાનો આનંદ લઈ રહ્યા છીએ તે ચોક્કસ સમયગાળા માટે યજમાન દ્વારા પ્રદાન કરવામાં આવી છે; આપણી પાસે કશું જ નથી અને યજમાનની કોઈ સંપત્તિનો નાશ કરવાનો આપણને અધિકાર પણ નથી.  અતિથિ તરીકેની આપણી નૈતિક જવાબદારી છે કે આપણે જે સ્થાન અને સંસાધનો વાપરીએ તેની ખૂબ કાળજી લઈએ અને બીજા મહેમાન વિશે પણ વિચારીએ.  “થિયરી ઓફ ગેસ્ટશીપ"  શોષણ કરવાને બદલે સહકારના માર્ગ તરફ દોરી જાય છે.  હાલની આર્થિક પ્રણાલીમાં શોષણ કરવાનું સગવડિયું સાધન એટલે પૈસા. આપણા ઋષિ-મુનિઓએ પણ હંમેશા કહ્યું છે કે આર્થિક વ્યવસ્થા શ્રમ આધારિત હોવી જોઈએ નહીં કે ધન આધારિત. લિયો ટોલ્સટોય, જ્હોન રસ્કિન, મહાત્મા ગાંધી તમામ ઈચ્છતા હતા કે સમાજમાં શ્રમનું મૂલ્ય વધે. આ વિચારોને ધ્યાનમાં લઈને જ "યોર ટાઈમ બેન્કની" શરૂઆત કરવામાં આવી હતી.

શું છે આ યોર ટાઇમ બેંક ? 

કોઈ પણ વસ્તુની જેટલી વધારે અછત હોય તે વસ્તુનું તેટલું વધારે મૂલ્ય હોય આ અર્થશાસ્ત્રનો સર્વ સામાન્ય નિયમ છે. મારું માનવું છે કે જો આપણે સમયને ચલણના એકમ તરીકે ધ્યાનમાં લઈશું તો આપણે વિશ્વની મોટાભાગની સમસ્યાનું નિરાકરણ લાવી શકીશું.  સમય એ કુદરતી રીતે, સાર્વત્રિક રૂપે અછત ધરાવે છે, માટે તેનું મૂલ્ય નક્કી કરવામાં સરળતા રહે છે અને જો આપણે કાગળના ચલણ, બેંકના નાણાને બદલે સમયનો નાણા તરીકે ઉપયોગ કરીએ તો આપણે આ દુનિયાને વધુ સુંદર બનાવી શકીએ. જેનો સૌ પ્રથમ પ્રયોગ લુણાવાડા ખાતે કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભુવનેશ્વર ખાતે લર્નિંગ સોસાયટી અનકોન્ફરન્સમાં, પી પી સવાણી યુનિવર્સિટીમાં, જયપુર ખાતે અહિંસાગ્રમમાં તેમજ મહિસાગર જિલ્લાના કેટલાક ગામોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. 

આ મોડલની ખાસિયત એ છે જે તે વ્યક્તિ પોતે પોતાના શ્રમનું મૂલ્ય નક્કી કરી શકે છે, જીવનની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકે એટલું મિનિમમ બેલેન્સ દરેક પાસે હંમેશા હોય છે તેમજ કોઈપણ વ્યક્તિએ સફળ થવા માટે પોતાની વસ્તુ કે સેવાનું બજાર સરળતાથી મળી રહે છે. 

યોર ટાઈમ બેંકના રસપ્રદ કિસ્સાઓ.

૧) એસી ફ્રિજ રીપેરીંગ શીખવા આવેલા વિદ્યાર્થીઓમાં સૌપ્રથમ પ્રયોગ કરવામાં આવ્યા ત્યારે એક વિદ્યાર્થી youtube માંથી જોઇને મોડલિંગ ફોટોગ્રાફી કરતા શીખ્યો હતો પરંતુ તેને કોઇ મોડલ મળતા ન હતા. યોર ટાઈમ બેંક થકી તેને મોડલ પણ મળી ગયા અને તેમાંથી કમાયેલા YT (your time) થી તેને કેટલીક આર્યુવેદીક દવાઓ પણ ખરીદી હતી. 

૨) ભુવનેશ્વરમાં જ્યારે આ પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે રાજા નામના નૈસર્ગિક ખેતી કરતા ખેડૂત રોજ બધા માટે ચા બનાવતા અને 10 રૂપિયામાં વેચતા. પરંતુ જ્યારથી તેમને "યોર ટાઇમ બેંક" વિશે ખબર પડી ત્યારબાદ તે માત્ર કોઈ YT આપે તો જ ચા વેચતા અને પૈસા સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દેતા. કારણ કે YT નો ઉપયોગ કરીને તેઓ વધુ વસ્તુઓ અને સેવાઓ ખરીદી શકતા જે પૈસાથી ખરીદી શકાતી નહોતી. 

૩) જયપુરમાં જ્યારે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો ત્યારે રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ YT માં નાણાં ચૂકવ્યા હતા તેમજ એરપોર્ટ સુધી જોવા માટે પીકઅપ ડ્રોપ સર્વિસ નું મૂલ્ય પણ YT માં જ ચૂકવ્યું હતું. 

હાલમાં કોઈ પણ વ્યક્તિ પોતાની સોસાયટીમાં, પોતાની સંસ્થામાં, શાળા-કોલેજોમાં, ગામમાં તેમજ કોર્પોરેટ કંપનીમાં "યોર ટાઈમ બેંકની" સ્થાપના કરી શકે તે માટે કીટ પણ બનાવવામાં આવી રહી છે. 

હાલના સમયમાં કોવિડ-૧૯  ને કારણે પ્રત્યેક વ્યક્તિને જે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે તેનું સમાધાન your time બેંક દ્વારા શક્ય છે. આ આખું મોડલ એ રીતે બનાવવામાં આવ્યું છે કે જેમાં દરેક વ્યક્તિને સફળ થવા માટે સમાન તક અને બજાર મળી રહે છે, કોઈપણ વ્યક્તિ ગરીબ રહે કે કોઈપણ વ્યક્તિ ભૂખ્યું રહે તે શક્ય જ નથી આ ઉપરાંત દરેકને રોજગાર પણ મળી રહે છે માટે બેરોજગારીની સમસ્યાનો પણ કાયમી ઉકેલ શક્ય છે. 

_______________

દરેક વ્યક્તિ જો પોતાના જ સુખનો વિચાર કરશે તો ક્યારેય સુખી નહીં થઈ શકે પરંતુ જ્યારે પ્રત્યેક વ્યક્તિ બીજાના સુખનો વિચાર કરશે ત્યારે તમામને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. 

દુનિયા આપણને કઈ નજરે નિહાળે છે તે નહી પણ આપણે દુનિયાને કોઈ નજરે નિહાળીએ છીએ તે મહત્વનું છે. 

~ Dhrudip Yogeshbhai Thakkar (9574117077)