Wednesday, May 19, 2021

ચકા ચકી નો ઘર સંસાર

Happy Anniversary to the parents that inspire me every day. ...

(ખાસ નોંધ : આ લેખ ૨૦૧૯ માં લખેલ છે માટે એ રીતે જ વચવો અને સમજવો.)

ચકા ચકી નો ઘર સંસાર
.....................................

"મુસ્કુરાતા ચહેરાનો આંસુ પણ એક ભાગ છે,
ખુશી છે અનમોલ તો દુખ માં પણ કઈ ખાસ છે,
જરૂરી નથી કે જીવનનો દરેક પડાવ સરળ જ હોય,
ડગલેને પગલે સંઘર્ષ પણ એક અનોખો અહેસાસ છે.
ખુશી છે અનમોલ તો દુઃખ માં પણ કઈ ખાસ છે."

૨૦-૦૫-૨૦૧૨  નવસારી ની એસ એસ અગ્રવાલ કોલેજમાં હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની ફરજ બજાવી રહ્યો હતો. અર્થશાસ્ત્રની સાથે-સાથે પર્યાવરણ ને લગતા વિષયો તેમજ નાટ્યશાસ્ત્ર ના શિક્ષક તરીકે ની જવાબદારી પણ મારા શિરે જ હતી. બપોરે ત્રણ વાગ્યે અધ્યાપન કાર્ય પૂર્ણ થઈ જાય, માટે પોતાની જાત સાથે સમય ગાળવાનો તેમજ લેખન કાર્ય કરવા માટેનો સારો એવો સમય મળી રહેતો. ઉપર જણાવેલી તારીખ મારી માટે બહુ જ ખાસ હતી કારણ કે આ તારીખે મારા માતા-પિતાએ તેમના લગ્ન જીવનમાં સહજીવનના 25 વર્ષ પૂર્ણ કર્યા હતા. આ મહોત્સવને વિશેષ રીતે ઉજવવાની મારી મહેચ્છા હતી પરંતુ સમય અને સંજોગોને કારણે એ શક્ય બન્યું નહિ. લગ્ન પૂર્વેના તેમજ લગ્ન બાદના ઘણા કિસ્સાઓ મમ્મી પપ્પા ના મોઢે સાંભળેલા જે ઘણા જ રસપ્રદ અને પ્રેરણાદાયક હતા અને બાકીના ઘણા કિસ્સાઓનો તો હું પોતે જ સાક્ષી હતો. આમ આવા રસપ્રદ કિસ્સાઓ ને લઈને એક નાટક લખવાનું નક્કી કર્યું અને એ નાટક નું શીર્ષક હતું ચકો ચકી નો ઘર સંસાર. મારા મોટા ભાગના નાટકો અને લેખની શરૂઆત હું કોઈ કાવ્યપંક્તિ કે ગીતથી જ કરતો અને તે પરંપરાને જાળવી રાખવા ઉપર લખેલી પંક્તિઓ લખી હતી જે નાટક ની શરૂઆત હતી. લગ્નજીવનના, સહજીવનના 30 વર્ષ પૂર્ણ થાય ત્યારે આ નાટક નો પ્રથમ પ્રયોગ કરવામાં આવશે તેવી નૂતન મહેચ્છા સાથે 25 વર્ષનો મહોત્સવ પૂર્ણ થયો હતો. ત્યારબાદના પાંચ વર્ષમાં મારા જીવનમાં અનેક નાટકો ખેલાયા જેમાં પી.એચ.ડી.ની પળોજણ, અર્થશાસ્ત્રનો નૂતન અભિગમ, ફિલ્મ જગતમાં પાપા પગલી, ભારત ભ્રમણ મુખ્ય રહ્યા. હિપનોસિસ ની ટ્રેનીંગ થી લઈને સામાજિક અને પર્યાવરણીય મુદ્દાઓ ની લડત સુધીના ઘણા કાર્યો આ પાંચ વર્ષમાં પૂર્ણ કર્યા પણ આ બધામાં પેલું નાટક અધૂરું જ રહી ગયું. 2016માં ટ્રેનર તરીકે બેંક ઓફ બરોડામાં જોડાયો ત્યારબાદ હું અને પપ્પા ગોધરામાં સાથે જ રહીએ. હવે મારું નાટ્યક્ષેત્રમાંથી ફિલ્મક્ષેત્રે પદાર્પણ થઈ ચૂક્યું હતું અને નાટક કરતા એક નાનકડી ફિલ્મ બનાવવી વધુ અસરકારક અને આર્થિક રીતે પણ પરવડે તેમ હતું. માટે પપ્પાને કીધું "પપ્પા લગ્નના 30 વર્ષ પુરા થાય છે,  તમારા આ સહજીવનની પૂર્ણાહુતિના મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરીએ." પણ નોકરી કરતા માણસની એક વિડંબના હોય છે, તેમના સપનાની મેન્યુફેક્ચરિંગ ડેટ તેમની નોકરીની એક્સપાયરી ડેટ એટલે કે રિટાયરમેન્ટની સાથે શરૂ થતી હોય છે. પપ્પાના પણ રિટાયરમેન્ટ પછી ના ઘણા પ્લાન હતા, માટે આ ધામધુમથી ઉજવણી કરવાનું પણ રિટાયરમેન્ટ પછી જ નક્કી થયું. પરંતું નોકરીના રિટાયરમેન્ટ પહેલાજ કુદરતનું ઓચિંતું રિટાયરમેન્ટ આવ્યું અને અનેક સપનાઓની જેમ મારું આ ફિલ્મનું સપનું પણ અધૂરું રહી ગયું. 2019 પપ્પાનું રિટાયરમેન્ટનું વર્ષ છે. આજે જો પપ્પા સ્વદેહે હજાર હોત તો શક્ય છે કે વડોદરાની કોઈ હોટલમાં અત્યારે સરસ-મજાની ગ્રાન્ડ પાર્ટી ચાલતી હોત અથવા તો પરિવાર સાથે છેલ્લી એલટીસી ની રજાઓ સિક્કિમ કે કાશ્મીરમાં મનાવતા હોત. પપ્પાએ મારા અને અમારા પરિવારના તમામ સપનાઓ પરિપૂર્ણ કર્યા પરંતુ પપ્પા માટે સેવેલા અમારા ઘણા ખરા સપનાઓ અધૂરા જ રહી ગયા. એ સપનાઓ પરિપૂર્ણ કરવા તો હવે શક્ય નથી , પરંતુ પેલું નાટક પુરુ કરવું તો મારા હાથમાં જ છે ને ! એમ વિચારી આજે નાટક લખવાનો નિષ્ફળ પ્રયત્ન કરી જોયો. અતીતના આકાશમાં ડોક્યું કરવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ મિલન કરતા વિરહ નો ભાવ મારા માનસ પર વધુ હાવી રહ્યો.આમ નાટક ની શરૂઆત તો ન કરી શક્યો પરંતુ ભવિષ્યમાં ક્યારેક જો આ નાટક લખાશે તો તેના કોઈક અંકનો અંત કંઈક આવો હશે. 


સ્થળ : ઘરની બાલ્કની અને તેની સામે લહેરાતાં લીલાછમ ખેતરો.

પાત્ર : પિતા અને પુત્ર.

અતીતના પ્રતિબિંબને વર્તમાનમાં નાટક સ્વરૂપે કાગળ પર આલેખવાનો પુત્ર વારંવાર પ્રયત્ન કરે છે. પરંતુ તેને જોઇએ તેવી સફળતા હાંસલ થતી નથી. નિરાશાની ઊંડી ગર્તામાં ધકેલાઈ ગયેલા હતાશ પુત્ર ના ખભે પિતાના અદ્રશ્ય હાથ નો સ્પર્શ થાય છે. અને પિતા પુત્રને માત્ર એટલું જ કહે છે

"जिंदगी नगमा उसे तू गुनगुनाना सीख ले,
पोछकर आंखों से आंसू मुस्कुराना सीख ले,
जिंदगी की भीख आखिर कब तलक मांगेगा तू,
दीप के भाती तू खुद को ही जलाना सीख ले" 

ને પુત્ર માત્ર એટલું જ કહે છે "don't worry papa everyday I give my best shot."  (આ મારા પપ્પાનું પ્રિય વાક્ય હતું.)

બ્લેક આઉટ થાય છે અને પડદો પડે છે. પ્રેક્ષકો હજી પણ ભાવ જગતમાં જ ડૂબેલા છે મનોમંથનની પ્રક્રિયા હજી પૂર્ણ થઈ નથી. પ્રેક્ષકોના આ મનોભાવને તોડવા માટે કોરસમાં નાટકનું ટાઈટલ સોંગ વાગે છે , ચકો ચકી નો ઘર સંસાર.... ચકો ચકી નો ઘર સંસાર... 

પરંતુ યાદ રહે કે આ નાટકનો અંત નહીં પરંતુ ઇન્ટરવલ છે. નાટક તો અભી બાકી હૈ મેરે દોસ્ત.....

પુત્રનું એ નાટક તો પૂરું નથી થતું પરંતુ પિતાના સપનાઓ સાકાર થઈ ચૂક્યા છે. કારણ કે પિતાએ સેવેલા મોટાભાગના સપનાઓ પોતાના માટે નહીં પરંતુ બીજાના માટે હતા સમાજ માટે હતા. અને આ સપનાઓ પરિપૂર્ણ કરવાની મોટાભાગની જવાબદારી  તેમની વ્હાલસોયી દીકરીએ ઉપાડી લીધી હતી...

No comments:

Post a Comment