Saturday, June 27, 2020

નફરત જો સહજતાથી થતી હોય તો પ્રેમ કરવામાં આટલી બધી અસહજતા શા માટે ?

જે દેશમાં મીરાબાઈ એ ભગવાન શ્રીકૃષ્ણને પ્રેમ ભાવે ભજ્યા તે દેશમાં પ્રેમની સંકુચિતતા જોઈને સહજ રીતે દુઃખ થાય એમ છે. સવાલ માત્ર એટલો જ છે કે જેટલી સહજતાથી આપણે નફરત કરી શકીએ છે એકલી સહજતાથી પ્રેમ કેમ નથી કરી શકતા ? રસ્તામાં કે બજારમાં નજીવી બાબતમાં કોઇ વ્યક્તિ સાથે ગાળાગાળી થાય, ઝઘડો થાય, મારામારી થાય તો ચાલે પરંતુ પ્રેમ થાય તો ના ચાલે. કેટલા અસહજ અને યાંત્રિક બની ગયા છે આપણે. અપશબ્દ, ગાળ સહજતાથી નીકળી જાય છે અને તે રોજિંદા જીવનનો તે હિસ્સો બની જાય છે અને સમાજ તેને સ્વીકારી પણ લે છે. પરંતુ પ્રેમ ના શબ્દો બોલવા માટે, કોઈની સાથે પ્રેમથી વાત કરવા માટે આપણે તૈયારી કરવી પડે છે. હાલમાં રોસ્ટ કલ્ચર ફૂલ્યોફાલ્યો છે. 

બીજાનું અપમાન કરીને, અન્ય ની મજાક કરીને આનંદ કરવામાં અને કરાવવામાં આવી રહ્યો છે. પરંતુ કોઈની સાચા દિલથી પ્રશંસા કરવાનો આપણી પાસે સમય નથી, કોઈના વખાણ કરવા કે કોઇની સાથે પ્રેમથી વાત કરવી તે હવે ફોર્માલિટી જેવું લાગવા લાગ્યું છે. રાજનીતિએ સત્તા માટે નફરત ના બીજ વાવ્યા અને તે હવે ન્યૂઝ ચેનલ અને અન્ય મીડિયાના માધ્યમથી તેને ઉછેરી રહ્યા છે.  જેને પરિણામે આપણે એક યાંત્રિક મશીનમાં તબદીલ થઇ રહ્યા છે જેને સંવેદના પ્રેમ સાથે જાણે કોઈ લેવાદેવા જ ના હોય. માણસ કરતા મશીન અનેક રીતે ચડિયાતું છે માત્ર ને માત્ર એક સંવેદના તંત્ર છે જે માણસને મશીન થી અલગ કરે છે. માણસ થઈ માણસને જો પ્રેમ ના કરી શકે જો તે એક બગડેલું યંત્ર છે એનાથી વિશેષ કશું જ નહીં. 

ગુસ્સાને આપણા સમાજે બહુ જ સહજ રીતે સ્વીકાર કર્યો છે. દારૂ પીને પત્ની સાથે મારઝૂડ કરતા પતિનો સમાજે બહિષ્કાર નથી કર્યો, બાળકને મારતા શિક્ષકો કેટલાક વાલીઓ ને વહાલા લાગે છે, હંમેશા સલાહ પણ આપવામાં આવે છે કે ગુસ્સામાં કોઈ કશું કહેતો તેને મન પર નહીં લેવાનું ભૂલી જવાનું પરંતુ આટલી સહજતાથી આપણે પ્રેમનો સ્વીકાર નથી કર્યો. રસ્તામાં જતા કોઈ બે ખરાબ શબ્દો કહે તો ગુસ્સો આવી જાય તો કોઈ બે સારા શબ્દો કહે તો પ્રેમ પણ થઈ જાય એમ ના બને ? કોઈ પ્રેમ ના આગોશ માં આવી ને કશું કહી જાય તો તેને પ્રેમથી કીધું છે મન પર નહીં લેવાનું એવું ના કહી શકાય ?  એવો તો કેવો સમાજ  બનાવી રહ્યા છે કે તલવારો લઈને ખુલ્લેઆમ રસ્તા ઉપર નીકળી શકાય, સરઘસ, રેલીઓ કાઢી શકાય પરંતુ પ્રેમ છુપાઈ છુપાઈને કરવો પડે ? હું મારા માતા-પિતાને પ્રેમ કરું છું, મારા ભાઈ બહેન ને પ્રેમ કરું છું, મારા દેશને પ્રેમ કરું છું આ વસ્તુ આપણે બહુ સહજતાથી કહી શકીએ છીએ (જો કે માતા-પિતા, ભાઈ-બહેન ને આ પ્રેમ અભિવ્યક્ત બહુ ઓછું કરતા હોઈએ છે પરંતુ કહેવામાં સંકોચ નથી થતો.) પરંતુ આનાથી આગળ વધીને જ્યારે કહેવામાં આવે કે હું મારા સ્કૂલમાં કે કોલેજમાં ભણતી કોઈ છોકરીને પ્રેમ કરું છું તો તરત જ તેને વાસનાની દ્રષ્ટિએ જોવામાં આવશે. કોઈ નું ગીત સાંભળીને, કોઈ ની સ્પીચ સાંભળી ને, કોઈ નું નૃત્ય જોઈને તો કોઈનું કૃત્ય જોઈને, કોઈનું કસાયેલું શરીર જોઈને તો કોઈની સાદગી જોઈને, કોઈનું સેન્સ ઓફ હ્યુમર જોઈને તો કોઈનું ગહન જ્ઞાન જોઇને કેમ પ્રેમ ના થઈ શકે ? કોઈને નફરત કરવી તેનો મતલબ તેનું ખૂન કરવું એવું નથી થતું તે જ રીતે કોઈને પ્રેમ કરવો તેનો મતલબ વાસના યુક્ત વિચાર જ હોય એવું નથી હોતું. ફરી ક્યારેક પ્રેમ અને વાસના અંગે પણ વિસ્તારમાં ચર્ચા કરીશું.

No comments:

Post a Comment